Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
ગુજરાત રાજય ના જળસ્‍ત્રોતોના પ્રકાર
(૧) ભૃપુષ્ટ જળ (૨) ભુગર્ભ જળ

ગુજરાત રાજયનું પાણીનું મુખ્‍ય પ્રાપ્‍તિ સ્‍થાન ભૃપુષ્ટ જળ છે. સમગ્ર રાજયમાં કૂલ ૧૮૫ નદી પરીસરો આવેલ છે. રાજયમાં ઉપલબ્‍ધ જળસંપત્તિ ૫૫૬૦૮ દસ લાખ ઘન મીટર છે. જેમાંથી ૩૮૫૦૦ દસ લાખ ઘન મીટર ભૃપુષ્ટ જળ છે. જે સમગ્ર ભારત દેશની કુલ ભૃપુષ્ટ જળરાશિનો માત્ર ૨% થાય છે. જે જળરાશી ઉપલબ્‍ધ છે તે પણ સામાન્‍ય રીતે વહેંચાયેલો નથી. ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ વિસ્‍તારોમાં અનુક્રમે ૮૯%, ૯% અને ૨% જળસંપત્તિ વહેંચાયેલી છે. જેની સામે આ ત્રણે વિસ્‍તારોનો કુલ ભૌગોલિક વિસ્‍તાર ૪૫%, ૩૧%, અને ૨૪% છે. રાજયની ભૂગર્ભ જળસંપત્તિ ૧૭૫૦૮ દસ લાખ ઘન મીટર છે.

ઉપલબ્‍ધ ભૂતળ તેમજ ભૂગર્ભ જળરાશીનો ઉપયોગ પીવાના પાણી માટે, ખેતી, ઉધોગ, જળ વિધુત, મત્‍સ્‍યોધોગ વિગેરે જેવા હેતુઓ માટે કરવામાં આવે છે. આમાંથી લગભગ ૮૦ ટકા જેટલો પાણીનો ઉપયોગ ફકત ખેત ઉત્‍પાદન ક્ષેત્રે કરવામાં આવે છે. જેમાં સિંચાઇનો મહત્‍વનો ભાગ છે.

ગુજરાત રાજયનો કુલ ભૌગોલિક વિસ્‍તાર ૧૯૬ લાખ હેકટર છે. જે પૈકી ૧૨૪.૫ લાખ હેકટર ખેડાણલાયક વિસ્‍તાર છે.

આઝાદી પહેલા હાલના ગુજરાત રાજયમાં ફકત ૫૧૦૦૦ હેકટર જેટલા વિસ્‍તારમાં જ સિંચાઇની સગવડ હતી. રાજયની સ્‍થાપના સમયે બીજી પંચવર્ષિય યોજનાને અંતે સને ૧૯૬૦-૬૧ સુધી ૪.૦૪ લાખ હેકટરમાં સિંચાઇ શકિત ઉત્‍પન્‍ન થઇ શકી જે થકી મહત્તમ સિંચાઇ વપરાશ તો ફકત ૧.૭૭ લાખ હેકટર હતો. ત્‍યાર બાદ ગુજરાત સરકારે વધુ ને વધુ સિંચાઇશકિત ઉત્‍પન્‍ન કરવાના કાર્યક્રમને અગ્રિમતા આપી જેને પરિણામે અત્‍યાર સુધીમાં આશરે ૫૧.૦૦ લાખ હેકટર સિંચાઇશકિત ઉત્‍પન્‍ન થયેલ છે. જે થકી મહત્તમ સિંચાઇ વપરાશ ૪૪.૦૦ ૭૫૨ લાખ હેકટર થયેલ છે.

ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ વિસ્‍તાર પણીની અછતવાળા વિસ્‍તારો છે. જયાં દર દસ વર્ષે બેથી ત્રણ વર્ષ દુષ્‍કાળ પડે છે. જયારે દક્ષિણ ગુજરાતમાં લગભગ દર વર્ષે પૂરની પરિસ્‍થિતિને કારણે જાન-માલનું નુકશાન થાય છે તેમજ તેની સાથે અમુલ્‍ય જળરાશી બીનઉપયોગી દરિયામાં વહી જાય છે. ગુજરાત રાજયે ભૂતકાળમાં ૧૯૭૨-૭૩, ૧૯૮૫ થી ૧૯૮૮ તથા વર્ષ ૧૯૯૯-૨૦૦૦ દરમ્‍યાન ભયંકર દુષ્‍કાળ અનુભવેલ છે. વર્ષ ૨૦૦૧માં અમદાવાદના અછતગ્રસ્‍ત ભાલ વિસ્‍તાર તથા ભાવનગર, અમરેલી અને જૂનાગઢના કેટલાક વિસ્‍તારમાં મહી નદી આધારીત પાઇપ લાઇન દ્વારા પીવાનું પણી પુરૂ પાડવા આયોજન કરેલ. આ ઉપરાંત અમદાવાદ શહેરને પીવાનું પાણી પુરૂ પાડવા તાત્‍કાલીક યુધ્‍ધના ધોરણે રાસ્‍કા વીયરથી કોતરપુર વોટર વર્કસ સુધીની પાઇપ લાઇન કરેલ છે. તે ઉપરાંત નર્મદા મુખ્‍ય નહેરમાંથી જુદા જુદા ચાર સ્‍થળોએ અલગ અલગ લંબાઇની પાઇપલાઇન દ્વારા તળાવો ભરીને પીવાના પાણી માટેની ૧૧૩.૧૭ કિ.મી. ની પાઇપલાઇનની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આમ ગુજરાત રાજય દુષ્‍કાળ હેઠળના વર્ષોમાં જનતાને પડતી હાલાકી પ્રત્‍યે સદાય સજાગ રહી છે. અને ભવિષ્‍યમાં આવી મુશ્‍કેલીઓના કાયમી નિવારણ માટે જરૂરી એવા પગલાં / સુનિશ્ચિત આયોજન માટે સદાયે તત્‍પર રહે છે. તેમાનાં કેટલાક પગલાંઓ નીચે મુજબ છે.

 • શકય એટલા તમામ સ્‍થળોએ ચેકડેમ, નાની, મધ્‍યમ તથા મોટી સિંચાઇ યોજનાઓ થકી પાણીનો મહત્તમ જળસંગ્રહ ઉભો કરવો.
 • ઉભી થયેલ જળાશય યોજનાઓ થકી થતી સિંચાઇ માટે વારાબંધી પધ્‍ધતિનો ઉપયોગ કરી કરકસર યુકત જળ વપરાશ કરવો.
 • ભૂગર્ભ અને ભૂપૃષ્‍ડ જળનો સમન્‍વીત ઉપયોગ કરી વિવિધ સિંચાઇ પધ્‍ધતિ દ્વારા પાણી બચાવવા અંગે ખેડૂતોમાં જાગૃતિ કેળવવી.
 • ઓછી સંગ્રહશકિતવાળા અને દુષ્‍કાળગ્રસ્‍ત વિસ્‍તારોમાં આવેલ જળાશયોમાં બાષ્‍પીભવન થકી થતો પાણીનો દુરવ્‍યય.
 • ખેત તલાવડી બાંધવી, હયાત તળાવો ઉંડા કરવા.
 • પાણીનું ટીપે ટીપું બચાવવા તમામ સ્‍થળોએ શકય ત્‍યાં પાણી અવરોધક બાંધકામો (Water Harvesting Structures) અને ખાસ કરીને ચેકડેમો બાંધવા.
 • રાષ્‍ટ્રીય જળનીતિ દ્વારા સૂચિત એવી સિંચાઇ યોજનાઓમાં પીવાના પાણીની જોગવાઇનું, આયોજન તબકકે જ ધ્‍યાન રાખવું
 • પાણીની આંતર-બેઝીન તબદીલી માટે લીન્‍ક નહેરોની યોજનાઓ હાથ ધરી અમલી બનાવવી.
 • સુજલામ સુફલામ યોજના હેઠળ
  • કડાણા જળાશયમાંથી ચોમાસા દરમ્‍યાન વહી જતા પાણીને સ્‍પ્રેડીંગ કેનાલોમાં વહાવીને જમીનમાં ઉતારવા નીચા જતા ભૂગર્ભ જળને રીચાર્જ દ્વારા અટકાવવા.
  • ખેતીમાં વપરાતી વીજળી બચાવવી.
  • એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ને પ્રોત્‍સાહન આપવું
  • ભૂતળ પાણીથી સિંચાઇ સુવિધા અને પીવાના પાણીની ઉપલબ્‍ધ કરાવવી.
  • પિયત માટે ખેત તલાવડીઓ બનાવવી અને ખેતરનું પાણી ખેતરમાં જ સાચવવું.
આઝાદી પહેલા હાલના ગુજરાત રાજયના વિસ્‍તારમાં હાથમતી સિંચાઇ યોજના અને ખારીકટ સિંચાઇ યોજના એમ માત્ર ૨ મોટી સિંચાઇ યોજનાઓ જ થઇ શકી હતી. આઝાદી પછી રાજયમાં શેત્રુંજી, દાંતીવાડા, કાકરાપાર વીયર, ઉકાઇ, કડાણા, ધરોઇ, વણાકબોરી વીયર વગેરે યોજનાઓના બાંધકામ હાથ ધરવામાં આવેલ વર્ષ ૨૦૦૬-૦૭ ને અંતે કુલ સિંચાઇ હેઠળ મૂકવામાં આવેલા ૪૪૩૬ પાતાળકુવાઓ પૈકી જુદા જુદા કારણોસર બંધ થયેલા ૧૯૬૭ પતાળકુવાઓ બાદ કરતાં, વર્ષાંતે કુલ ૨૪૬૯ પાતાળકુવાઓ સિંચાઇ હેઠળ ચાલુ હતાં. જે પૈકી ૮૦ પાતાળકુવાઓનું સંચાલન નિગમ હસ્‍તક હતું. ૨૦૦૬-૦૭ ના અંતે મોટી, મધ્‍યમ તેમજ સ્‍ટેટ માઇનોર ૧૮૬ યોજનાઓ પૂર્ણ થયેલ છે. આ ઉપરાંત આશરે ૫૦૦૦ નાની સિંચાઇ યોજનાઓ (ઉદ્દવહન અને પરકોલેશન ટેન્‍ક સહિત) પૂર્ણ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૬-૦૭ દરમ્‍યાન સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના હેઠળ આશરે ૧૨૦૦ ચેકડેમો બાંધવામાં આવેલ છે. દેશની પ્રગતિમાં ખભેખભા મીલાવી આગળ વધવા માટે ગુજરાત કૃતનિશ્ચયી છે. વિવિધ સિંચાઇ યોજનાઓના લાભ છેક અંતરીયાળ વિસ્‍તારમાં વસતી આદિવાસી પ્રજા સુધી પહોંચતા થાય તેમજ સમગ્ર ખેડુત સમાજને મહત્તમ સિંચાઇ સુવિધા પ્રાપ્‍ત થાય તે આશયથી પૂર્ણતાને આરે આવેલી વિવિધ સિંચાઇ યોજનાઓ સમયસર પૂર્ણ કરવા માટે રાજય કટિબધ્‍ધ છે.