Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
વિવિધ સિંચાઇ યોજનાઓ
 
 • નર્મદા યોજના :
  આઝાદી પછીના તુરતના સમયગાળામાં નર્મદા નદી પર બંધ બાંધવા માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્‍યુ હતું. સને ૧૯૭૯ માં નર્મદા જળ વિવાદ પંચે ૪૫૫ ફૂટ જેટલા ઉંચા બંધને માન્‍યતા આપી. જેને ૧૯૮૭ માં પર્યાવરણ વિભાગે અને સને ૧૯૮૮ માં પ્‍લાનીંગ કમીશનની આખરી મંજૂરી પછી બાંધકામ હાથ ઉપર લેવાયું. નવી દિલ્‍હી ખાતે તા.૮-૩-૨૦૦૬ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીની ૭૬મી બેઠકમાં બંધના છલતીના બ્‍લોકની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટરથી ૧૨૧.૯૨ મીટર સુધી બાંધકામની મંજૂરી મળેલ અને તા. ૯-૩-૨૦૦૬ ના રોજ કામ શરૂ કરી તા. ૩૧-૧૨-૨૦૦૬ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે. નર્મદા યોજના હેઠળ ૧૫ જીલ્‍લાઓ થકી ૭૩ તાલુકાઓના ૩૧૩૭ ગામડાંઓમાં ૧૮.૪૫ લાખ હેકટર જેટલી સિંચાઇશકિત ઉત્‍પન્‍ન થશે. ઉપરાંત આ યોજના મારફતે ૮૨૧૫ ગામડાં અને ૧૩૫ શહેરી વિસ્‍તારોની વસ્‍તીને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે.
 • કલ્‍પસર યોજના :
  મધ્‍ય ગુજરાતની નર્મદા, મહી અને સાબરમતી જેવી આંતર રાજય નદીઓના સરપ્‍લસ પાણી દરિયામાં સમાઇ જાય છે. આ પાણીનો ઉપયોગ કરવા સારૂ રાજય સરકાર દ્વારા કલ્‍પસર યોજના કાર્યન્‍વિત કરવામાં આવેલ છે.

  કલ્‍પસર યોજના એક મોટી મહત્‍વાકાંક્ષી યોજના છે. જે સરદાર સરોવર (નર્મદા) યોજનાના લાભોને વિસ્‍તૃત કરે છે. આ યોજના મધ્‍ય ગુજરાતની સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા જેવી નદીઓના વધારાના પાણીના સદૃઉપયોગ માટે વિચારાયેલ બહુહેતુક અને લાંબાગાળાની યોજના છે. જેના બાંધકામમાં વિપુલ નાણાંની જરૂરિયાતની સાથે સાથે તજજ્ઞ ઇજનેરી કાર્ય કુશળતા અને નવીન ટેકનોલોજી કામે લગાડવાની રહેશે. ઉકત નદીઓના પાણીનો ખંભાતના અખાતમાં સંગ્રહ કરવામાં આવશે. આ યોજના થકી ૧૦.૫૪૫ લાખ હેકટર વિસ્‍તારમાં સિંચાઇ, ૩.૬ કરોડ વસ્‍તી માટે વાર્ષિક ૯૦ કરોડ ઘનમીટર પીવાનું પાણી તથા ૫૮૮૦ મેગાવોટ ભરતી (તુટક) વિઘુત ઉત્‍પન્‍ન કરવાનું આયોજન છે. આ ઉપરાંત દહેજ અને ઘોઘા વચ્‍ચે જમીન માર્ગે વાહન વ્‍યવહાર પ્રસ્‍થાપિત કરી શકાશે. જે થકી સૌરાષ્‍ટ્રમાં જવા માટે ૨૨૫ કી.મી. અંતરનો ઘટાડો કરી શકાશે.
 • સુજલામ સુફલામ યોજના :
  ગુજરાતમાં જળ અને અન્‍નની સમસ્‍યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે એક મહત્‍વકાંક્ષી યોજના હાથ ધરવાની ઘોષણા રાજય સરકારે કરી છે. ગુજરાતમાં વારંવાર દુષ્‍કાળની સમસ્‍યા હેઠળના સિંચાઇની સુવિધાઓ વિનાના ૧૦ જીલ્‍લાઓ માટે સર્વ સમસ્‍યાઓનો દીર્ઘકાલીન ઉકેલ લાવતી સુજલામ સુફલામ યોજના હાથ ધરી છે. જેની સંક્ષિપ્‍ત રૂપરેખા નીચે મુજબ છે.
  • કડાણા ડેમથી બનાસ નદીના પરિસર સુધીની આશરે ૩૩૭ કી.મી. લાંબી સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલનું આયોજન, જેના થકી ૨૧ નદીઓ અને અનેક તળાવો પુનર્જિવિત કરાશે.
  • નર્મદા મેઇન કેનાલમાંથી પાઇપ લાઇનો દ્વારા ઉદૃવહન કરી એક મીલીયન એકર ફૂટ પાણીથી ઉત્તર ગુજરાતના નવ જળાશયો ભરવા.
  • નર્મદા મેઇન કેનાલમાંથી સુજલામ સુફલામ કેનાલને જોડતી ડીસ્‍ટ્રીબ્‍યુશન લાઇનનું નેટવર્ક કાર્યનું આયોજન.
  • પંચમહાલ અને દાહોદ એ બે જીલ્‍લાના આદિવાસી ક્ષેત્રોમાં કડાણા ડાબા કાંઠા હાઇલેવલ કેનાલ અને પાનમ જળાશયની હાઇલેવલ કેનાલ દ્વારા સિંચાઇ સુવિધા વધારવી.
  • કચ્‍છ જિલ્‍લામાં ૧૦૦૦ ચેકડેમ, ૧૫ ટાઇડલ રેગ્‍યુલેટર, ૩૩ બંધારા, ૧૯ રિચાર્જ તળાવો, ૧૫૦ રિચાર્જ વેલ દ્વારા સિંચાઇની સમસ્‍યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્‍નો કરવા.
  • સુરેન્‍દ્રનગર જિલ્‍લાની સુકી ધરા અને સુકા પેટાળને નવપલ્‍લિત કરવા માટે ૧૭ નદીઓમાં હયાત ચેકડેમો અને ૧૦૭ નવા મોટા ચેકડેમો બાંધી નર્મદાના જળ વડે સમગ્ર નદીઓને કાયમી રીતે નવપલ્‍લિત કરવી.
 • ચેકડેમની કામગીરી :
  ૧૯૮૬-૮૭ થી ૮૯ નો દુષ્‍કાળ અને તે પછી અનિયમિત અને ઓછો વરસાદ, પાણીના સંગ્રહ તેમજ ભૂગર્ભ રીચાર્જની મર્યાદીત વ્‍યવસ્‍થા તથા સપાટી પરના પાણીના અભાવથી વધતા જતાં ભૂગર્ભ જળના ઉપાડને કારણે પીવાના તળ ક્રમશઃ દર વર્ષે નીચે જતા હતાં તેમાય ૧૯૯૯-૨૦૦૦ નું ચોમાસુ નિષ્‍ફળ જતાં રાજયના સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જળાશયો ખાલી રહયા. જેથી પીવાના પાણીની તીવ્ર અછત ઉભી થતાં રાજય સરકાર સમક્ષ પાણીના સ્‍ત્રોતો શોધી કાઢીને શહેરી અને ગ્રમીણ વિસ્‍તારોમાં પીવાનું પાણી પહોંચાડવાનો વિકટ પ્રશ્ન ઉભો થયો. જેથી રાજય સરકારે પાણીની અછતવાળા વિસ્‍તારોમાં, વરસાદના વહી જતા પાણીને અટકાવવા, આ પાણીને જયાં શકય હોય ત્‍યાં રોકી સંગ્રહ કરવા માટે વધુમાં વધુ સંખ્‍યામાં ચેકડેમ બનાવવા, તળાવો ઉંડા કરવા તેમજ ભૂગર્ભ જળ રીચાર્જ કરીને લાંબા સમયની પાણીની જરૂરિયાતને સંતોષવા ભગીરથ કર્ય હાથ ધરેલ છે. આ માટે સરકારે જાન્‍યુઆરી ૨૦૦૦ માં ’’સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના’’ હેઠળ રૂ.૧૦૦ કરોડના ખર્ચે ૨૫૦૦ ચેકડેમ બનાવવાની યોજના નકકી કરી.જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે. ચેકડેમોના બાંધકામને કારણે સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના પાંચ જીલ્‍લાઓમાં ભૂગર્ભ જળસપાટી ૦.૬૫ મી. થી ૧૩.૩૦ મી. જેટલી ઉંચી આવેલી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૦૬-૨૦૦૭ દરમ્‍યાન આશરે ૩૭૧૩૫ ચેકડેમોનું બાંધકામ કરવામાં આવેલ છે. તેમજ લગભગ ૨૦૦૦ જેટલા ચેકડેમો બાંધકામ હેઠળ છે. જળસંપત્તિ પ્રભાગ દ્વારા વિવિધ યોજના હેઠળ ૨૦૦૬-૦૭ સુધી ૫૨૮૨૭ ચેકડેમો બાંધવામાં આવ્‍યા છે.

  સદર ચેકડેમના બાંધકામ લોકભાગીદારી દ્વારા કરવામાં આવે છે. જેમ લોકોના જૂથ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ અને દાતાઓ વગેરે મળીને ૪૦% ખર્ચ અગાઉની યોજના પ્રમાણે ભોગવતા હતા. અને સરકાર તરફથી તેમા ૬૦% ફાળો આપવામાં આવતો હતો. જેના ફાળાના ગુણોત્તરમાં ફેરફાર કરીને તે હવે ૮૦% : ૨૦% પ્રમાણે રાખવાનું સરકારશ્રી એ ઠરાવ્‍યુ છે. ચેકડેમનું બાંધકામ સંસ્‍થા કે નકકી કરેલા જૂથ દ્વારા કરવામાં આવે છે. આમ કરવા પાછળનો આશય ઓછા ખર્ચે વધુ ચેકડેમ બનાવી શકાય. લોકો પોતાનો શ્રમ અને ખર્ચ કરતા હોવાથી ચેકડેમને પોતાનો અને તેમના ઉપયોગ માટે બાંધવામાં આવે છે. એમ સમજી સારૂ બાંધકામ કરે અને ખોટી એજન્‍સીઓના હાથમાં કામ ન જાય વગેરે છે. આ યોજનાને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડેલ છે.

  આ યોજના થકી બાંધવામાં આવેલ ચેકડેમોની કામગીરી/સિધ્‍ધિનું મૂલ્‍યાંકન આઇ.આઇ.એમ. અમદાવાદ જેવી એક સ્‍વતંત્ર સંસ્‍થા દ્વારા કરવામા આવેલ એ ખૂબજ પ્રોત્‍સાહિત પરિણામો આવેલ છે.
 • જળાશયો/નદીઓના વધારાનું/સ્‍પીલ પાણીનો સદૃઉપયોગ :
  મધ્‍ય અને દક્ષિણ ગુજરાતની નદીઓમાંનું વધારાનું/સ્‍પીલ પાણી વિપુલ માત્રામાં વરસોવરસ દરિયામાં બીનઉપયોગી ઠલવાઇ જાય છે. તે વાપરવાનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી હવે પછીના સમયમાં પાણીની માંગ સંતોષી શકાય. દક્ષિણ ગુજરાતની પાણીની છતવાળી નદીઓ જેવી કે, દમણગંગા, પાર, તાપીના વધારાના પાણીનો ઉપયોગ પાર-તાપી-નર્મદા લીંક દ્વારા રાજયના સૂકા અને પાણીની અછતવાળા વિસ્‍તારમાં કરવા માટે અભ્‍યાસો કરવામાં આવ્‍યા છે.
 • નર્મદા મુખ્‍ય નહેર આધારિત ઉત્તર ગુજરાતના હયાત બંધો અને નાના તળાવો ભરવા માટેની લાઇન યોજના :
  ઉત્તર ગુજરાતમાં જળસંપત્તિની કટોકટી ભરેલ પરિસ્‍થિતિમાં નર્મદા નદીના પુરના પાણી પૈકી ૧.૦ મી. એ. ફુટ પાણી નર્મદા મુખ્‍ય નહેર મારફત ઉત્તર ગુજરાતના જળાશયો/તળાવો ઉદૃવહન-લીંક કેનાલ પાઇપ લાઇન દ્વારા ભરવા માટેની દરખાસ્‍ત રૂ.૨૫૦૬.૩૨ કરોડની સરકારશ્રીએ તા. ૨૭/૮/૦૧ થી સૈધ્‍ધાંતિક સ્‍વીકાર કરેલ છે. જે પૈકી પ્રથમ તબકકામાં સરકારશ્રી દ્વારા પિયજની ઘરોઇ જળાશય સુધીની ૨.૧ મીટર ડાયાની  એક પાઇપ લાઇન (સાંકળ ૨૫૬ કી.મી. થી શરૂ કરીને) તેમજ જલુન્‍દ્રાથી હાથમતી, ગુહાઇ જળાશય માટે ૦.૯ થી ૨.૧૫ મીટર સુધીના ડાયા ધરાવતી એક પાઇપ લાઇનની (સાંકળ ૨૧૮.૧૦ કી.મી. થી શરૂ કરીને) કુલ્‍લે રૂપિયા ૩૧૧.૦૦ કરોડની વહીવટી મંજૂરી પ્રથમ તબકકામાં આપેલ છે.
 • ધરોઇ ડાબા અને જમણાં કાઠાં નહેર એક્ષ્‍ટેન્‍શન યોજના :
  સાબરમતી જળાશય (ધરોઇ) યોજનામાં કૂલ પિયત વિસ્‍તાર ૬૧૦૮૫ હેકટર છે. જેમાંથી જમણાં કાંઠા મુખ્‍ય નહેર (મહેસાણા જીલ્‍લો) માં પિયત વિસ્‍તાર ૪૮૧૦૫ હેકટર અને ડાબા કાંઠા મુખ્‍ય નહેર (સાબરકાંઠા જીલ્‍લો) નો પિયત વિસ્‍તાર ૧૨૯૮૦ હેકટર છે.

  ધરોઇ જળાશયમાંથી અમદાવાદ શહેર માટેનો અનામત પાણીનો જથ્‍થો ફાજલ પડવાના પરિપ્રેક્ષ્‍યમાં મહેસાણા તથા સાબરકાંઠા જીલ્‍લામાં ધરોઇ યોજનાનો પિયત વિસ્‍તાર વધારવા માટેની શકયતાઓ તાપાસવામાં આવી. જે મુજબ ધરોઇ જળાશયમાં ૮૮૧૪ મી.ઘન ફુટ પાણીનો જથ્‍થો ફાજલ પડતાં મહેસાણા તથા સાબરકાંઠા જીલ્‍લાનો હયાત સિંચાઇ વિસ્‍તાર વધારી શકાશે. જમણાં કાંઠા મુખ્‍ય નહેર અને ડાબા કાંઠા મુખ્‍ય નહેર પિયત વિસ્‍તારના સપ્રમાણમાં (૮૦:૨૦) પાણીનો જથ્‍થો વહેંચતા મહેસાણા જીલ્‍લા માટે ૫૨૬૨ મી. ઘન ફુટ પાણીનો ફાજલ જથ્‍થો ઉપલબ્‍ધ થશે. જેનાથી વધારાની ૩૦૩૮૭ હે. ખેડાણલાયક જમીન (સી.સી.એ.) ને સિંચાઇની સુવિધા પ્રાપ્‍ત થશે. જેમાંથી ખેડાણલાયક જમીન જમણાં કાંઠા નહેશ એક્ષ્‍ટેન્‍શન દ્વારા ૨૩૮૮૭ હેકટર તથા ડાબા કાંઠા પિયત વિસ્‍તારના ઇડર તાલુકાના ૨૨ ગામોની ૬૫૦૦ હેકટર ખેડાણલાયક જમીન (સી.સી.એ.) ને ઉદૃવહન  સિંચાઇ સુવિધા પ્રાપ્‍ત થશે. આ બંને એક્ષ્‍ટેન્‍શન યોજનાઓનો અંદાજિત ખર્ચ જમણાં કાઠા અને ડાબા કાંઠા અનુક્રમે રૂ. ૫૫.૦ કરો. અને રૂ.૩૮.૦ કરોડ જેટલો થવા જાય છે.

  જમણાં કાંઠા એક્ષ્‍ટેન્‍શનની આ યોજનાથી મહેસાણા જીલ્‍લાના ૪ તાલુકાને, પાટણ જીલ્‍લાના ૩ તાલુકા તથા ગાંધીનગર જીલ્‍લાના એક (માણસા) તાલુકાને વધારાની સિંચાઇ સુવિધા પ્રાપ્‍ત થશે. તેમજ આ યોજનાથી મહેસાણા જીલ્‍લાની ૧૨૩૦૯ હેકટર, પાટણ જીલ્‍લાની ૧૧૫૦૮ હેકટર ગાંધીનગર જીલ્‍લાની ૭૦ હેકટર અને સાબરકાંઠા જીલ્‍લાની ૬૫૦૦ હેકટર જમીનને વધારાનો સિંચાઇનો લાભ મળશે. ધરોઇ જમણાં કાંઠાની હયાત નહેરો પોસ્‍ટ નર્મદા કંડીશનની બાબત લક્ષમાં લઇ બનાવવામાં આવેલ છે. જેથી નહેરની વહનશકિત વધારી શકાય તેમ છે. આ જમણાં કાંઠાના સૂચિત વધારાના પિયત વિસ્‍તારમાં વહેણ થી સિંચાઇ ન કરતાં, પાણીનો કરકસરયુકત અને મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી ખેડુતોએ સ્‍વખર્ચે ઉદૃવહન કરવાનું રહેશે. જમણા કાંઠા એક્ષ્‍ટેન્‍શન મુખ્‍ય નહેર તથા બે શાખા નહેરો, દસ પ્રશાખાઓ અને આઠ માઇનોર કાઢવામાં આવેલ છે., જે પૈકી ૯૫% કામગીરી પૂર્ણ કરીને રવિ સિંચાઇ દરમ્‍યાન ૨૦૧ હેકટરમાં સિંચાઇ થયેલ છે.
 • ક્ષારપ્રવેશ નિવારણ અને અટકાવ :
  ભૂગર્ભ જળમાં પ્રવેશતા ક્ષારના અટકાવ માટે દરિયાકાંઠાના મુખ પાસે ભરતી નિયંત્રક તથા બંધારાઓ તથા જમીન તરફ અંદરના ભાગે પુનઃપ્રભરણ તળાવો, પુનઃપ્રભરણ જળાશય, પુનઃપ્રભરણ કુવાઓ, ચેકડેમો તથા સ્‍પ્રેડીંગ ચેનાલ વગેરેના બાંધકામની ઉચ્‍ચ કક્ષા સમિતિઓ દ્વારા ભલામણ કરવામાં આવેલ. ૧૨મા નાણાં પંચમાં સ્‍ટેટ સ્‍પેશ્‍યલ નીડસ હેઠળ ગુજરાતના ક્ષાર પ્રવેશ નિવારણ માટે રૂ.૨૦૦.૦૦ કરોડ તેમજ નાબાર્ડ હેઠળ રૂ.૨૨૭.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.