પાણી પુરવઠા વિભાગ (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)
 
વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો)

પ્રસ્તાવના

ગુજરાતે ઔઘોગિક વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. આપણા રાજ્યની ઓળખ એક ઝડપથી વિકસતા જતા રાજ્ય તરીકેની ઉભી થઈ છે. છતાં રાજ્ય સામે એક પડકાર ઊભો છે, પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલનો. પાણીની સમસ્યા એ ગુજરાત માટે નવી કે અજાણી નથી. આંતરે વરસ દુકાળ અને આટલું ઓછું હોય તેમ ૨૦૦૧માં આવેલા ભૂકંપે પાણીના તંત્રને સાવ વેર વિખેર કરી નાખ્યું હતું. સરકારના એકધારા પ્રયાસો છતાં પાણીની અછત મહત્વનો પ્રશ્ન રહયો હતો. પીવાના પાણી માટે તંત્ર હતું પરંતું આખાય તંત્રમાં ક્યાંય વપરાશકારો એટલે કે લોકોની ભાગીદારીના અભાવે પરિણામો મળી શકતા નહોતા. પીવાના પાણી બાબતે તેના વપરાશકારો જ સારા વ્યવસ્થાપકો સાબિત થઈ શકે એ વિચાર વાસ્મોની રચનાના પાયામાં ગણી શકાય.

પેયજળ હોય કે, સિંચાઇ માટેનું પાણી હોય પરંતુ તેની પ્રાપ્તિ, સંચય તથા વિતરણ માટે લોકભાગીદારીના સબળ માધ્યમથી રાજયના ખૂણે ખૂણે વસતા લોકોએ, ખેડૂતોએ અભિનવ પ્રયાસો કરીને પ્રશંસાને પાત્ર પ્રયોગો કર્યા છે. તેના સારા પરિણામો પણ આપણે જોયા છે. વાસ્મો(વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન)ના માધ્યમથી એક એવા તંત્રનું નિર્માણ કરવાનો પ્રયાસ થયો છે કે, જેનાથી પીવાના પાણીની આ સમગ્ર વ્યવસ્થામાં લોકોને અસરકારક રીતે સાંકળી શકાય અને વ્યવસ્થા ટકાવી રાખવા માટે તેમનું ક્ષમતા વર્ધન કરી શકાય. ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા અંગેની સેવાઓમાં જનભાગીદારી તથા સત્તાના વિકેન્દ્રીકરણ માટે "મિશન મોડ' અભિગમ અપનાવીને નવતર પ્રયોગરૂપ, સ્વાયત્ત વ્યવસ્થા તંત્ર ગુજરાતમાં ઉભું કરવામાં આવ્યું છે. આ નવતર પહેલ સારી પેઠે લેખે લાગી છે અને "વાસ્મો' એ ગામડાઓમાં સુદ્રઢ લોકભાગીદારી માટે જરૂરી વાતાવરણ રચયું છે. સાથે જ "યુ. એન. મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ'ના મુદ્દાઓ પૈકીના એક પ્રમાણે પાણી અને સ્વચ્છતા ક્ષેત્રમાં રાજયનાં ગામોને જનસમુદાય પ્રેરિત વિકાસ હેઠળ આવરી લેવાનું નક્ક્રર આયોજન શકય બન્યું છે.

સ્થાપના

વૉટર ઍન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન (વાસ્મો) એ રાજ્ય સરકારની સ્વાયત્ત સંસ્થા છે. ગુજરાત સરકાર દ્વારા મે ૨૦૦૨માં વિકેન્દ્રિત અને લોકવ્યવસ્થાપિત પાણી પુરવઠા કાર્યક્રમ હેઠળ ગામડાઓમાં પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવા ખાસ હેતુ માટે "વાસ્મો'ની સ્થાપના કરવામાં આવી. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ અંતર્ગત અને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે "વાસ્મો'ની નોંધણી થયેલી છે. પાણી વિતરણ અને વ્યવસ્થાપન તેમજ સ્વચ્છતાના અભિગમમાં પરિવર્તન લાવવા "વાસ્મો' કાર્યશીલ છે.

લોકભાગીદારી એ વાસ્મોની વિશેષતા

વિકાસના તમામ પ્રયત્નોમાં લોકો કેન્દ્રસ્થાને હોવા અનિવાર્ય છે. આથી ગામની પાણી વિતરણ અને સ્વચ્છતાની સુવિધાઓના વપરાશકર્તાઓ જ તેના માલિક અને વ્યવસ્થાપક હોય તે પ્રકારની વ્યવસ્થા ઊભી તેમ જ લોકોને વર્ષ દરમિયાન પૂરતું, શુદ્ધ અને નિયમિત પીવાનું પાણી મળી રહે, તેમની આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય, જીવનસ્તર અને રહેણીકરણી નવી ઊંચાઇએ પહોંચે તે માટે લોકોને સક્રિય ભાગીદારી થકી સક્ષમ બનાવવા વાસ્મો પ્રયત્નશીલ છે.

દૂરંદેશી અને ધ્યેય

 • ગામ લોકોને પોતાના ગામની પીવાના પાણીની અને સ્વચ્છતાની યોજનાઓનું આયોજન, અમલીકરણ, અને વ્યવસ્થાપનની સુવિધાઓની માલિકીપણા માટે સક્ષમ બનાવવા.
 • પેયજળ અને સ્વચ્છતાના વ્યવસ્થાપનમાં દરેક સમુદાય અને મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી.
 • ગ્રામ્ય સ્તરે સ્થાનિક અને બલ્ક વોટર સિસ્ટમના સમન્વયથી પૂરતા પેયજળની સલામતિ ઉભી કરવી.
 • ગામ લોકોને સ્થાનિક સ્રોતોની જાળવણીની સાથોસાથ વરસાદી પાણીનો સંગ્રહ કરે તે માટે પ્રોત્સાહિત કરવાં.
 • ગામલોકોની જળસંચય, શુદ્ધ પેયજળ તેમ જ સ્વાસ્થ્ય અને પર્યાવરણીય સ્વચ્છતા વિશેનાં મુદ્દાઓ અંગેની સમજણને આગળ વધારી તેમને નવું જ્ઞાન અને જાણકારી આપવી.
 • પાણી અને સ્વચ્છતા માટે ઇજનેરી પદ્ધતિઓ અને પાયાના જ્ઞાનનું સર્જન કરવું.

કાર્યપ્રણાલી

"વાસ્મો'ની ભૂમિકા સહાય અને સક્ષમતા આપનારની છે. ગ્રામપંચાયત અને પાણી સમિતિ તેમને જરૂરી હોય તેવી પેયજળ અને સ્વચ્છતાની સગવડોનું આયોજન અને બાંધકામ કરે તથા તેના ખર્ચમાં આંશિક ચુકવણી કરે અને તેના ઉપયોગ અને સાચવણીનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવે તે રીતે "વાસ્મો' કાર્ય કરે છે.

 • વિવિધ ભાગીદારો જેવા કે અલગ અલગ સરકારી ખાતાઓ, પંચાયતીરાજ સંસ્થાનો, બિનસરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમુદાય આધારિત સંસ્થાઓ સાથે સંકલન કરવું.
 • ઇજનેરી અને નાણાકીય સહાય પૂરી પાડવી.
 • કાર્યક્રમમાં લોકભાગીદારી માટે માહિતી, શિક્ષણ અને જાણકારીનું સંકલન કરી ઝૂંબેશ શરૂ કરવી.
 • પેયજળ સ્રોતો અને પદ્ધતિઓના ટકાઉપણા માટે સંશોધન અને હિમાયત કરવી.
 • પાણી અને સ્વચ્છતાના કાર્યક્રમમાં થયેલા અનુભવો, નવતર અભિગમો તેમ જ જે શીખવા મળ્યું હોય તેનું એકત્રીકરણ કરવું.

 
અગત્યની લિન્કો
હોમ
વહીવટી માળખું